"રંક નું રજવાડું"

-Poor But Rich-

 -રંક નું રજવાડું-

BY : I I SHAIKH

DATE : 15th August, 2022


આજરોજ ભારતના 75 માં સ્વતંત્રતા દિવસ નો રાષ્ટ્રીય પર્વ હોય સરકારી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી બપોરના 12:00 વાગ્યા પછી મે અમદાવાદ થી અંકલેશ્વર જવાનું નક્કી કરેલ.


11:30 ની આસપાસ ઉપલબ્ધ ટ્રેનની સ્થિતિ તપાસતા અંકલેશ્વર જવા સારું બપોરના 03:40 પહેલા કોઈ ટ્રેન ઉપલબ્ધ ન હોય સરકારી કાર્યક્રમમાં સુરત તરફથી કાર મા આવેલ મારા પરિચિત આમંત્રિત મહેમાનનો સંપર્ક કરી સુરત પરત જતી વખતે જો તેમની કાર મા જગ્યા હોય તો મને પણ સાથે લઈ જવા તેઓને જણાવેલ. મારા પરિચિત આમન્ત્રિત મહેમાન પણ બપોરના 12:30 ની આસપાસ સુરત પરત જવાના હોય અને તેમની કાર મા જગ્યા પણ હોય મે તેમની સાથે અંકલેશ્વર સુધી જવાનું નક્કી કરેલ.


12:00 વાગ્યાની ની આસપાસ સરકારી કાર્યક્રમ તથા કાર્યક્રમ સબંધિત અન્ય પવુતિઓ પુર્ણ થઇ ચુકેલ હોય, કાર્યક્રમના મુખ્ય મહેમાન તથા કચેરીના વડા પણ જતા રહેલ હોય, પરંતુ કાર્યક્રમ મા હાજર લોકોનું એકબીજા સાથે અભિવાદન તથા હાજર અન્ય અધિકારીઓ સાથે ફોટોગ્રાફ લેવાની પ્રક્રિયા ચાલુ હોય મે સુરતથી આવેલ આમન્ત્રિત મહેમાનનો સંપર્ક કરી વહેલા નીકળી જવા આગ્રહ કરેલ.


પરંતુ મારો આગ્રહ અયોગ્ય હતો કારણકે જે આમન્ત્રિત મહેમાનને ઉતાવળે પરત જવા હું આગ્રહ કરી રહ્યો હતો  તેમને નાગરિક સંરક્ષણ દળમા વોર્ડન તરીકે લાંબી સેવાકીય પ્રવુતિ (માનદ સેવા) બદલ ભારતના મહામાહિમ રાષ્ટ્રપતિ દ્વારા ચંદ્રક એનાયત થયેલ હોય તેના બહુમાન સારુ તેમને સુરત થી અમદાવાદ સરકારી કાર્યક્રમમાં બોલાવેલ હોય અને તેઓ ત્યાં હાજર તેમના પરિચિત અન્ય માનદ સભ્યો સાથે વધુ સમય પસાર કરવા માંગતા હોય જે  તેમના માટે ગર્વ નો જ નહીં પણ જીવભરનો યાદગાર પર્વ હોય જેથી તેમણે બપોરના 01:30 સુધી રોકાઈ જવા મને વિનંતી કરેલ.


જેથી તેમના ખુશી ના પર્વ મા તેઓ દ્વારા નક્કી થયેલ પૂર્વયોજીતો કાર્યક્રમ મા મારી સગવડતા ખાતર તેમને અગવડતા પહોંચાડવી મને યોગ્ય ન લાગતા મે તેમને હું મારી રીતે નીકળી જાઉં છું જણાવી તેઓને બિનજરૂરી તાણમાંથી મુક્ત કરી મારા અન્ય એક મિત્રને તાત્કાલીક મને ગીતા મન્દિર સેન્ટ્રલ બસ ડેપો સુધી મુકી દેવા જણાવતા 1 મિનિટ કરતા ઓછા સમયમા તે મિત્ર પોતાની બાઈક પાર્કિંગમાંથી લઇ આવી મને 7 થી 8 મિનિટમા ગીતા મન્દિર સેન્ટ્રલ બસ ડેપો ખાતે ઉતારી પરત થયેલ.


ગીતા મન્દિર સેન્ટ્રલ બસ ડેપો ખાતે તપાસ કરતા 12:30 વાગ્યાની અંકલેશ્વર જવા સાદી ST બસ હતી તથા 12:35 વાગ્યાની VOLVO AC બસ હતી. મે સાદી ST બસમા અંકલેશ્વર જવાનું નક્કી કરેલ તે પાછળનું મુખ્ય કારણ એ હતું કે સાદી ST બસ વડોદરા બાય-પાસ (હાઇવે ટુ હાઇવે) રુટ ની હતી જે વડોદરા સિટીમા ગયા વગર બારોબાર અંકલેશ્વર જવાની હતી જયારે VOLVO AC બસ અમદાવાદ થી ઉપડ્યા બાદ વડોદરા સિટીમા પ્રવેશી સેન્ટ્રલ બસ સ્ટેન્ડ તથા મકરપુરા બસ સ્ટેન્ડ જઈ ફરી હાઇવે પર આવી અંકલેશ્વર જવાની હતી. આમ VOLVO AC નો આરામદાયક સફર વધુ સમય લે તેમ હતો જયારે સાદી ST બસ મારા માટે સસ્તું ભાડુ અને સિદ્ધપૂરની યાત્રા (ઘરે જલ્દી પહોંચડનાર) સાબિત થાય તેમ હતી જેથી મે સાદી ST બસ મા મારી જગ્યા શોધી હું સીટ નમ્બર 12 ઉપર બેસેલ.


મુસાફરી દરમ્યાનનો અસલ રોમાંચ હવે શરૂ થવાનો હતો,  લાગણીના દરિયામા વિચારોના પ્રવાહ મા વહી જવાનો સફર હવે શરૂ થવાનો હતો, રાજા અને રંકનો ભેદ પારખવાનો મોકો હવે હતો, માં તો માં ની કહેવતને જીવંત સ્વરૂપ આપતાં કિસ્સાને નજરે જોવાનો અવસર હવે હતો.


સીટ નમ્બર 11 બારીની સીટ હોય અન્ય એક પેસેન્જર અગાઉ થી જ મારી બાજુમાં બેસેલ હતા અને તેમની બાજુની સીટ નમ્બર 12 ઉપર હું બેસેલ હતો. ત્યાર બાદ બસ મા પેસેન્જરોની અવર જ્વર માટેની જગ્યા (પેસેજ) હતી અને બાદ મા સીટ નમ્બર 13, 14 અને 15 હતી. આ સીટ નમ્બર 13,14 અને 15 મા 15 નમ્બરની સીટ બારીવાળી હતી.


આ સીટ નંબર 13, 14 અને 15 ઉપર એક મહિલા તથા તેનું એક બાળક બેઠેલ હતું. મહિલાની ઉંમર લગભગ 30 થી 35 વર્ષની હતી જ્યારે તેના બાળકની ઉંમર 10 થી 12 વર્ષની હતી. આ મહિલાનું બાળક સીટ નંબર 13, 14 અને 15 પૈકીની બારી વાળી સીટ નંબર 15 ઉપર બેસેલ હતો જયારે મહિલા કિનારા તરફની સીટ નંબર 13 ઉપર બેસેલ હતી અને વચ્ચેની સીટ નમ્બર 14 ખાલી હતી.


પ્રથમ દ્રષ્ટિએ જ તે મહિલાને કોઈપણ વ્યક્તિને તેના પહેરવેશ વાળી મેલી સાડી તથા તેણે પગમા  પહેરેલ ચંપલ તથા તેના શરીરની પરસેવા તથા ધૂળ માટીવાળી અસ્વચ્છ ત્વચા અને તેના હાવ ભાવથી  ખુબ જ ગરીબ મજુરણ બાઈ હોવાનું પ્રતીત કરાવતી હતી અને તેનાથી વિશેષ તેની સ્થિતિ જણાતી પણ ન હતી. મારા મતે તે મહિલા છૂટક મજૂરી કરતી હોવાનું અથવા તો ખુબજ નાના પાયે છૂટક શાકભાજી વેચનાર હોવાનું અથવા તો કોઈક નાની રેસ્ટોરન્ટ અથવા લારી ઉપર વાસણ સાફ કરતા હોવાનું કામ કરતી હોવાનું જણાતી હતી.


બસમાં ચડતા અન્ય મુસાફરો બસ લગભગ ભરાઈ ગયેલ હોવાનું જાણવા છતાં અને સીટ નંબર 13, 14 અને 15 પૈકીની 1 સીટ ખાલી હોવાનું જોવા છતાં તે ગરીબ મજુરણ જેવી લાગતી મહિલા પાસે બેસવાનું પસંદ ન કરી અન્ય જગ્યા શોધવાનો પ્રયત્ન કરતા હતા. તેનાથી વિશેષ આશ્ચર્યની બાબત એ હતી કે સીટ નંબર 13, 14 અને 15 ઉપર પોતાના બાળક સાથે બેસેલ તે મહિલા એ બાબત થી વધુ ચિંતાતુર લાગતી હતી કે તેમની 3 સીટો પૈકીની ખાલી રહેલ 1 સીટ ઉપર અન્ય કોઈ પેસેન્જર આવીને બેસી ન જાય.


બસ ઉપડતા પહેલા જ્યારે પણ કોઈ નવો પેસેન્જર બસમાં પ્રવેશ કરતો હતો ત્યારે તે મહિલાના ચહેરાના હાવ ભાવ તથા સીટ ઉપર તેની હલન ચલન એ વાત સ્પષ્ટ કરતી હતી કે  તે ઇચ્છતીજ  ન હતી કે સીટ નંબર 13, 14 અને 15 ઉપરની ખાલી રહેલ સીટ ઉપર અન્ય કોઈ મુસાફર આવીને બેસી જાય. પરંતુ તે અબળા ગરીબ નારીને ક્યાં ખબર હતી કે બસમાં ચડનાર અન્ય પુરુષ કે મહિલા મુસાફર પૈકીનું કોઈ પણ મુસાફર તેના પહેરવેશ તથા  તેની મજબૂરીવશની શરીર સ્થિતિનીના કારણે તેની બાજુમાં બેસવા કરતા  અન્ય સીટ શોધી ત્યાં બેસવું વધારે પસંદ કરી રહ્યા હતા.


તે મહિલાના ચહેરાના ગમગીન ભાવ, તેનું સતત ઊંડા વિચારોમાં રહેવું, તેના માથા પર જણાતી ચિંતાની લકીરો, તથા તેના અન્ય મુસાફરો પ્રતિ કોઈપણ પ્રકારના હાવ ભાવ ન હોવાની સ્થિતિ તેની દરિદ્રતા, તેનું દુઃખ, તેનો જીવન પ્રત્યેનો અસંતોષ, તેનું એકલાપણું તથા તેનું ભવિષ્યના જીવન પ્રત્યે કોઈ ધ્યેય ન હોવાની સ્થિતિ દર્શાવતી હતી. મહિલાની આ દયનિય પરિસ્થિતિથી તેનો નિર્દોષ બાળક તદ્દન અજાણ હતો.


પરંતુ સાથે સાથે આ દરિદ્રતાની સ્થિતિમાં તે મહિલાની જિંદાદિલી, દિલદારી અને માતા તરીકે તે બજાવવા જઈ રહેલ તેની જવાબદારીઓથી હું, મારી બાજુમાં બેસેલ પેસેન્જર તથા બસનો કંડકટર પણ સંપૂર્ણપણે અજાણ હતા.


આ મહિલા કે જે ગણતરીના રૂપિયા સાથે પોતાના બાળકની જવાબદારીઓ સાથે લઈને કફોડી સ્થિતિમાં સાદી ST બસમાં મુસાફરી એ નીકળેલ તેની પાસે જ્યારે બસ કંડકટર આવી ક્યાંની અને કેટલી ટિકિટ લેવી છે? તેમ પૂછે છે ત્યારે તે દરિદ્ર મહિલા પોતે સુરત જવા માંગે છે તથા તેની સાથે બાળક હોય તેઓ 2 મુસાફર છે તેમ જણાવે છે જે સાંભળી બસનો કંડકટર તે મહિલાને 2 ટિકિટ નું કુલ ભાડું રૂપિયા 378 થશે તેમ જણાવે છે.


કંડકટર જ્યારે 2 ટિકિટ નું કુલ ભાડું રૂપિયા 378 જણાવે છે તે સાંભળી બાદમા તે મહિલા તરફ જોઈ મને પોતાને પણ ચિંતા થાય છે કારણ કે એક મહિલા જેની આર્થિક સ્થિતિ દેશના સૌથી નીચલા વર્ગની છે અને જેને માથે એક બાળકની જવાબદારી પણ છે તેની કાળી મજૂરીના ખુન પસીનાની કમાઈ મુસાફરીમા ખર્ચાઈ જશે.


પરંતુ આ દિલદાર, દરિયાદીલ, જિંદાદિલ, બાહોશ, સ્વમાની, આત્મ નિર્ભર (જેટલાં વિશેષણ લખો તે ઓછા પડે એમ છે) મહિલા પોતાનું ફાટેલું પર્સ કાઢી તેમા બચેલા ગણતરીના પૈસા કાઢી તે પૈસા ગણવાની ચિંતા કર્યા વગર બસ કન્ડકટરને સામે પ્રશ્ન કરે છે કે 2 ટીકીટના રૂપિયા  378 થાય છે તો ત્રણ ટિકિટના કેટલા થશે ?


બસ કન્ડકટર જવાબ આપે છે કે 3 ટીકીટના કુલ રૂપિયા 567 થશે.


મહિલા 3 ટીકીટનું કુલ ભાડુ રૂપિયા 567 સાંભળી બસ કન્ડકટરને કહે છે કે મને 3 ટિકિટ આપો.


બસ કન્ડકટર સામે પાછો પ્રશ્ન કરે છે કે બેન તમે અને તમારો બાળક એમ 2 જ મુસાફર છો તો તમને 3 ટિકિટ કેમ જોઈએ છે?


ત્યારે તે મહિલા જવાબ આપે છે કે મારો બાળક સવારનો ખુબ થાકી ગયો  છે મારે તેને  3 સીટ ઉપર સુવડાવી દેવો છે જેથી કરી તેને આરામ મળે અને તેનો થાક ઉતરી જાય.


આ જવાબ સાભળી થોડાક ક્ષણો માટે કન્ડકટર પણ ગૂંચવાય જાય છે પરંતુ બાદ મા 3 ટીકીટના રૂપિયા લઈ 3 ટીકીટ આપી આગળ જતો રહે છે.


3 ટિકિટ લીધા બાદ જ આ મહિલા તેના બાળકને સીટ નમ્બર 13, 14 અને 15 ઉપરની મહતમ જગ્યા ઉપર સુવડાવી ત્રીજી સીટ નમ્બર 13ના કિનારે પોતે બેસી ફરી પોતાની ભવિષ્યની ચિંતાના વિચારોના પાતાળ મા ખોવાય જાય છે.


આમ એક ગરીબ માતા/મહિલા પોતાની રંક હોવાની સ્થિતિમા પણ પોતાના બાળકને રજવાડાનું સુખ આપવા પોતાની આર્થિક મર્યાદાઓ સાથે સમાધાન ન કરી પરંતુ પોતાના પહેરવેશ/ભૌતિક સુખ-શોખ સાથે સમાધાન કરી પોતે જ એક રજવાડું હોવાની પ્રતીતિ કરાવી હું તથા મારી સાથેના તે જ બસના અન્ય મુસાફરોને વાસ્તવમા અમે રંક છે કે કેમ? તે બાબતનું આત્મચિંતન કરવા મુકી જાય છે.

-Poor But Rich-

-રંક નું રજવાડું-


BY : I I SHAIKH


DATE : 15th August, 2022

Comments

  1. Really very imotinal esi ghatnaye hmm jivanme kaibar anubhav karte h pr kbhi dhyan nhi dete ya dhyan dekr bhi anjan bn jate h really great 👍👍👍👍👍💐

    ReplyDelete
  2. Thank you , very good rnd Sir
    This is the reason everybody says there Mother is BEST in the World.

    ReplyDelete
  3. મુસાફરી દરમિયાનનો પ્રત્યક્ષ અનુભવ લાગણી સભર અને માતૃ શક્તિનો પરિચય કરાવતો આપ સરનો અતિ સુંદર લેખન વાળો લેખ છે.

    ReplyDelete
  4. Very heart touching and emotional story .....very good sir
    "God could not everywhere and therefore he mad mothers"

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

PERILS OF PRIVILEGES

"Zilly"